Jambu Leela

  મિત્રો સાથે જાંબુ ખાધાં Jambu Leela


જાંબુડાના ઝાડમાં સરસ મઝાનાં કાળાં ભમ્મર જાંબુ પાક્યાં હતાં. મિત્રોને જાંબુ ખાવાનું મન થયું. ઘનશ્યામને વાત કરી એટલે એમણે મિત્રોને કહ્યું, ‘એમાં શું, ચાલો હમણાં જ ઉપડીએ.’


સહુ મિત્રો જાંબુડા તરફ ગયા. નીચે ખરેલાં પાકાં જાંબુ ખાધાં. ભારે મીઠાં લાગ્યાં એટલે ઘનશ્યામ ને વેણીરામ જાંબુડા ઉપર ચડીને જાંબુ ખેરવા લાગ્યા. પ્રાગ ને માધવ નીચેથી જાંબુડાં વીંણવા લાગ્યા.






બાલમિત્રો હરખથી જાંબુડાં પાડે છે. વીણી વીણીને ભેળાં કરે છે. સારાં સારાં ખાતાં જાય છે. આમ જાંબુની ઉજાણી થઈ રહી છે. એવામાં જાંબુડાનો ધરાર ધણી થઈ બેઠેલો માણસ દૂરથી આવતો દેખાયો એથી નીચે ઊભેલા પ્રાગે ઘનશ્યામ અને વેણીરામને ઉપર સાનથી ઈશારો કરી દીધો કે, ‘ભાગો. ઓલો આવે છે.’


આથી ઘનશ્યામે મિત્રોને કહ્યું, ‘તમે ઝટ ઝટ જાંબુ લઈને દૂર ભાગી જાવ. હું પાછળ ચાલ્યો આવું છું.’


ઘનશ્યામને મનમાં થયું કે જાહેર જનતાના આ જાંબુડાનો આ ખોટી રીતે ધરાર ધણી થઈ બેઠેલ છે અને કોઈને અહીં આવવા દેતો નથી માટે એને આજે થોડુંક ભાન તો જરૂર કરાવી દેવું છે.


‘એલા, કોણ જાંબુડાં પાડે છે ? ભાગો ઝટ નહિ તો માર્યા વિના નહિ મૂકું.’ એમ બૂમો પાડતો એ નજીક આવ્યો એટલે ઘનશ્યામે જાંબુડા ઉપરથી ઊતરતાં કહ્યું, ‘અમે તો નીચેથી તેમ થોડાં ઉપરથી ઉતારીને જાંબુ ખાંધા છે પણ બીજું કાંઈ પણ આંબાને નુકસાન નથી કર્યું.’


‘એતો ઠીક પણ તમે અહીં આવ્યા કોને પૂછીને, એતો કહો?’


પૂછે કોને, અહીં કોઇ હોય તો પૂછીએ ને?’


‘અહીં કોઇ હોય કે ન હોય આ જાંબુડો મારો છે, સમજ્યા?’ ડોળા કાઢતા એ ડફોળે કહ્યું.


‘આ જાંબુડો કાંઇ તારા એકનો નથી, એતો આખા ગામનો છે એટલે પૂછવાનું કોને હોય?’ ઘનશ્યામે ખુલાસો કરતા કહ્યું.


‘એય આખા ગામવાળી, ભાગ નહિ તો આ ભાંઠો ભાળ્યો છે?’ એમ કહી એણે ઘનશ્યામને મારવા લાકડી ઉગામી એટલે . ઘનશ્યામે એને સીધો કરવા જે વેધક દૃષ્ટિ કરીને એની લાકડી પડી ગઇ અને એ પણ ફરંગટી ખાઇને ભફ દઇને હેઠો પડી ગયો. ઘનશ્યામ જાંબુડા ઉપરથી હેઠા ઉતર્યા અને દૂર ઊભેલા મિત્રો પાસે આવીને કહ્યું, ‘ચાલો હવે આ જાંબુ લઇને ઘર ભેળા થઇ જઇએ.

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
#
#
#